બોરસદ સત્યાગ્રહ ૧૯૨૩ વીશે તમામ માહિતી

બોરસદ સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ : બોરસદ તાલુકાની પૂર્વ અને દક્ષિણ સીમા ઉપર મહી નદીનાં બન્ને કાંઠાના ગામડાઓમાં બારૈયા તથા પાટણવાડિયા કોળી કોમની વસ્તી હતી. ઈ.સ.૧૯૨૦–૨૨ નાં સમયગાળામાં બોરસદ તાલુકાની કુલ વસ્તી દોઢ લાખની હતી, ત્યારે બારૈયા તથા પાટણવાડિયા કોમની વસ્તી પચ્ચાસ ટકા જેટલી હતી. મહી નદીનાં વિશાળ પટ ઉપર બ્રિટીશ અને ગાયકવાડના ગામડાઓ હોવાથી, તે સ્થળે આ કોમની વસ્તી વિશેષ પ્રમાણમાં જોવા મળતી હતી.

બોરસદ સત્યાગ્રહ થવાનુ કારણ

ત્યારે દરેક ગામના બારૈયા તથા પાટણવાડિયા કોમના સ્ત્રી તથા પુરૂષોએ દરરોજ ગામના સરકારી અધિકારી પાસે હાજરી પુરાવવી ફરજિયાત હતી. દરરોજ સમયસર હાજરી પુરાવવા જવું પડે તે માટે બારૈયા તથા પાટણવાડિયા કોમના લોકો નાસી છુટતા અને પરિણામે ચોરી કે લુંટફાટનો માર્ગ અપનાવવા લાગ્યા. “ આ કોમના લોકો બ્રિટીશ સરકાર અને ગાયકવાડ રાજય દ્વારા માનસિક ત્રાસ અને સામાજિક અન્યાયોના વારંવાર ભોગ બનતા હોવાથી, તેઓ અસામાજિક પ્રવૃત્તિ તરફ વળ્યા હતા.

 સમાજશાસ્ત્રીઓના અભ્યાસના આધારે કોઈ પણ વ્યકિત કે સમુદાય સામાજીક, આર્થિક, રાજકીય વગેરે ક્ષેત્રે અન્યાયોનો ભોગ બનતા હોય, ત્યારે તેઓ પોતાની જાતનું રક્ષણ મેળવવા માટે, પોતાનું અને તેના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુનાહીત માર્ગ તરફ આગળ વધે છે.”

બોરસદ તાલુકામાં લોકો બહારવટિયાઓને આશ્રય આપે છે અને છુપાવે છે. તેથી સરકારી પોલીસ તેમને પકડી શકતી નથી. તેવો આક્ષેપ સરકારે લોકો ઉપર કર્યો. જયારે સ્થાનિક લોકોનો આક્ષેપ એવો હતો કે, ‘‘પોલીસ બહારવટિયાઓ સાથે ભળી ગઈ છે.” તેથી સ્થાનિક બ્રિટીશ અમલદારોનો એવો અભિપ્રાય હતો કે ”બહારવટિયાઓને પકડવા વધારાની પોલીસ રાખવી અને તેનો ખર્ચ લોકો ઉપર દંડ નાખીને વસુલ કરવો જોઈએ.’ પરિણામે સરકારે તારીખઃ ૨૫/૯/૧૯૨૩ ના રોજ ઠરાવ બહાર પાડી, રૂા. ૨,૪૦,૦૭૪ નો દંડ લોકો ઉપર નાખ્યો અને સોળ વર્ષથી ઉપરના સ્ત્રી–પરૂષો પાસેથી વ્યકિતદીઠ આ વેરો નાખવામાં આવ્યો. 

બોરસદ સત્યાગ્રહ કમીટી

સ્થાનિક લોકોએ આ દંડને હડિયાવેરો નામ આપી તેનો વિરોધ કર્યો. વલ્લભભાઈ પટેલે બોરસદ તાલુકાના લોકોની પ્રાંતિક સમિતિની સભા બોલાવીવિરોધ કર્યો અને તે બાબત અંગે તપાસ કરી. તેનો અહેવાલ આપવા મોહનલાલ પંડયા અને રવિશંકર મહારાજની કમિટી નીમી.

તે તપાસના અહેવાલમાં જણાવવામાં આવ્યું અને પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવ્યું કે બાબર દેવા નામનો બારૈયા કોળી કોમનો વ્યકિત બહારવટે ચઢયો હતો. તેને સવારસાંજ પોલીસ આગળ હાજરી ભરવી પડતી હતી. એક દિવસ હાજરી પુરાવમાં મોડુ થયુ હોવાથી, તેને છ માસની સજા પડશે તેવા ભયથી તે ભાગ્યો અને નાનીનાની ચોરીઓ કરવા લાગ્યો. તેથી ગામ લોકો ઉપર પોલીસ દબાણ કરવા લાગી. તે ગામનો એક માણસ બાબર દેવાની માતાને કહેતો હતો કે “ તમારો દેવો પકડાય તો આખા ગામ ઉપરથી ત્રાસ જાય ” આ વાત તેની માતાએ બાબરને કરી. આ વ્યકિત એક દિવસ બાબરના ઘેર તેની માતાને કહેવા આવ્યો, ત્યારે બાબરે તેનું નાક કાપી નાખી ભાગ્યો, ત્યારથી તે બહારવટિયો બની ગયો.

 પછી તેણે ટોળી બનાવી બંદુક, કારતુસ સાથે ઘોડે ચડી લુંટફાટ ચલાવવા લાગ્યો. તેનો ત્રાસ ઘીમે ઘીમે વધતો જતો હતો. તેઓ લૂંટ ચલાવતા પરંતુ સાથે સ્ત્રીઓ, બ્રાહ્મણો અને વિદ્યાર્થીઓને ત્રાસ નહોતા આપતા. પરંતુ ક્યારેક મદદ પણ કરતા હતા. બહારવટિયા લુંટમાંથી થોડો ભાગ પોલીસને આપતા અને તેમની જ પાસેથી બંદુક અને કારતુસો મેળવી લેતા. ક્યારેક બહારવટિયા પકડાય જાય તેવી સ્થિતિ હોય, ત્યારે પોલીસ બહારવટિયાઓને ચેતવી દેતી હતી. વળી, બહારવટિયાઓ સામે ફરિયાદ નોંધાવનાર વ્યકિતનું પોલીસ કંઈ જ રક્ષણ પુરૂ પાડી શકતી નહી, એટલે તપાસનાં અહેવાલમાં તે જણાવવામાં આવ્યું કે ‘બહારવટિયા રાતે લુંટે છે અને પોલીસ દિવસે લુંટે છે અને છતાંય સરકાર હડિયાવેરો નાખીને લોકોને જ દંડે છે.”

બોરસદમાં મળેલી પ્રાંતિક સમિતિની બેઠકમાં વલ્લભભાઈ પટેલે પોતાના ભાષણમાં સરકાર અને પોલીસની સખત જાટકણી કાઢી સાચી હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરી. સરકારના આવા અન્યાય સામે સત્યાગ્રહ કરવાનો ઠરાવ કર્યો અને લોકોને હડિયાવેરો નહી ભરવાની અને શાંતિથી દુઃખો સહન કરવાની સલાહ આપવામાં આવી. સત્યાગ્રહ લડત માટે અહિંસા, નીડરતા, શાંતિ અને સહનશીલતાનું મહત્ત્વ સમજાવી દંડ નહીં ભરવાનો અને સત્યાગ્રહ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો અને સ્વયંસેવકોની ભરતી થવા લાગી. 

બોરસદ સત્યાગ્રહ કમીટી જપ્તી સમયે લોકો દ્વારા કરવામાં આવતા પ્રયોગો

વલ્લભભાઈ પટેલે બોરસદ તાબાના કસબાના વતનીઓની સભામાં લોકોને લડત લડવા આહવાન કર્યુ અને બોરસદ તાલુકાના લોકોએ મક્કમતાની ખાતરી આપી. વળી તેમાં બારૈયા અને પાટણવાડિયા તથા અન્ય જ્ઞાતિના લોકોએ એકઠા થઈ ઠરાવ કર્યો કે “સરકારને દંડ ભરવો નહી તથા જપ્તીનો માલ લેવો નહી અને હરાજીમાં માલ રાખે તેને રૂપિયા ૫૦ નો દંડ કરવો તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો.” સરકારે તો દંડ વસૂલ કરવાનું શરૂ કરી દીધું અને દંડ ન ભરે તેને ત્યાં જપ્તીઓ કરવા લાગ્યા. જપ્તી સમયે લોકોએ નવો પ્રયોગ અપનાવ્યો. સરકારી અમલદારો ગામમાં આવતા જણાય એટલે સ્વયંસેવકો નગારૂ વગાડે અને લોકો ઘર ઉપર તાળા મારી, ખેતરોમાં ચાલ્યા જતા હતા. લોકો દિવસે ખેતરમાં ચાલ્યા જાય અને રાત્રે ઘેર પરત આવતા.

વેપારીઓ રાત્રે બાર વાગ્યા પછી દુકાનો ખોલે અને લોકો માલ ખરીદી સવારે ખેતરે જાય. તેથી બંધ ઘરોમાં જપ્તી કરતા સરકારી અમલદારોને ઘણી મુશ્કેલીઓ પડી હતી. જયારે તેનાથી પણ વધારે મુશ્કેલીઓ સ્થાનિક લોકોને પડી હતી. છતાંય લોકો પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા હતા. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને વલ્લભભાઈ પટેલના વચનો પાળ્યા હતા. જે બારૈયા અને પાટણવાડિયા લોકોનું ક્ષાત્રત્ત્વ ઉપસી આવ્યુ હતું. “ આ કોમના લોકોએ પ્રતિજ્ઞાઓ પાળી સ્વયંસેવકોને સહકાર આપવા માટે કટીબદ્ધ થયા હતા. જેનાથી એકતામાં વધારો થાય અને સરકારની અન્યાયી તથા અત્યાચારી નીતિ સમક્ષ પ્રજાનો વિજય થાય. વળી આ સમયગાળા દરમ્યાન રવિશંકર મહારાજે પણ પાટણવાડિયા તથા બારૈયા કોમના લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું કાર્ય કરી, રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું.”

વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહનાં અનુસંધાને મુંબઈમાં જાહેર સભામાં સરકારી અમલદારોની બેધારીનીતિ, પ્રજાના કાર્યમાં થતી કનડગતો, ગરીબ પ્રજાને રીબાવવાની નીતિ તથા અમલદારોએ કરેલા પ્રજા વિરોધી લખાણોની વિગતો રજૂ કરી હતી. વલ્લભાઈ પટેલે મુંબઈમાં કરેલા ભાષણ મુંબઈના છાપાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યા અને તે સમયના મુંબઈના ગવર્નર લેસ્લી વિલ્સને સરકાર સામેના આક્ષેપો વાંચી તેમણે હોમ મેમ્બરને તપાસ માટે બોરસદ મોકલ્યા. તેના મુખ્ય બે ઉદ્દેશો હતા. (૧) ખરી હકીકત શું છે ? તેનીતપાસ કરવી અને (૨) હકીકત ખોટી પડે તો વલ્લભભાઈ સમક્ષ કામ ચલાવવું. હોમ મેમ્બર બોરસદ આવી, દોઢસો આગેવાનોને બોલાવ્યા બોરસદ, બોદાલ, દહેવાણ, અલારસા, ખેડાસા, આંકલાવ, નાવલી, વડદલા વગેરે ગામના આગેવાનોએ જાતે સરકાર સમક્ષ સાચી વિગતો આપી હતી.

આ લડત દરમિયાન વલ્લભભાઈ પટેલે સાચા પૂરાવાઓ મેળવવા માટે દરબાર ગોપાલદાને જવાબદારી સોંપી. તે પુરાવાઓમાં બે મજબૂત પુરાવાઓ મળ્યા. (૧) સરકારના અધિકારીઓ પાસેની ચર્ચામાં ખેડાના કલેક્ટર હીરાનંદ નામના સિંધી અધિકારીએ વેરો નાંખવાનો વિરોધ કર્યો હતો અને (૨) પોલીસ બહારવટિયાઓ સાથે મળી ગઈહતી અને બહારવટિયાઓને હથિયારો પુરા પાડતી હતી.

આ પુરાવાઓના આધારે વલ્લભભાઈએ ૧લી ડીસેમ્બર ૧૯૨૩ના રોજ બોરસદમાં ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિની બેઠક મળી અને લોકોને આ વેરો ન ભરવાની શીખામણ આપતા કહ્યુ કે, “ આપણે બે–ત્રણ રૂપિયાન આપી શકીએ, તેવા ભીખારી નથી, પરંતુ સરકાર આપણને બહારવટિયાઓના મળતિયા ઠરાવીને આરકમ આપણી પાસેથી વસુલ કરવા માંગે છે. પોતાનું તંત્ર પડી ભાંગ્યુ છે અને તીજોરી ખાલી થઈ ગઈ છે, તેવું સરકાર કબુલ કરે તો વહિવટ લેવાની આપણી તૈયારી છે,’

પંચાયતી રાજની વિવિધ સમીતિઓ વીશે વાંચવા માટે અહિયા ક્લિક કરો.

વલ્લભભાઈએ પુરાવાઓને આધારે કહ્યું કે, “ લોકો બાતમી કે સાક્ષી થવા માંગતા નથી. આ વાત કેટલી સાચી છે, તે જોઈએ. બાબરે બાવીસ ખૂન કર્યા છે. તેમાંથી એક પણ શ્રીમંત નથી. પરંતુ આ બધા પોલીસના બાતમીદારો હતા. બાવીરા બાતમીદારોના ખુન થયા છતાંય સરકાર એવું કહેતી હોય છે કે, લોકો બાતમી આપતા નથી. તો અમારે પુછવું જોઈએ કે, કેટલા પોલીસના ખુન થયા છે.’’

બોરસદ સત્યાગ્રહથી મહી કાંઠાના બારૈયા અને પાટણવાડિયા કોમના લોકોએ દારૂનો ત્યાગ કરી, પોતાના અધિકારો મેળવવા વધારે જાગૃત થયા હતા. તેમાં ખાસ કરીને વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજના અથાગ પરિશ્રમના કારણે આ કોમના લોકોમાં ભારે રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. જેનાં પરિણામે યુવાન વર્ગનાં લોકોમાં વધારે ઝડપથી રાષ્ટ્રીય જાગૃતિ આવવાની, સ્થાનિક લડતોમાં તેમની પાયાની ભૂમિકા રહેલી હતી. વળી દારૂ, જુગાર, લુંટફાટ ચલાવવી વગેરે કલંકીત બાબતો પણ ધીમેધીમે તેમનામાંથી વિસરાતી જવા લાગી હતી. રવિશંકર મહારાજને રાષ્ટ્રીય લડતોમાં મદદ કરવા બારૈયા અને પાટણવાડિયા જાતિના ત્રીસ યુવાનો તૈયાર થયા. આ જાતિના લોકોને હાજરી પુરાવવાનું કલંક હતું. તે ધીમેધીમે ભુંસાઈ ગયું. ખાદીની પોતડી અને બંડી પહેરીને રવિશંકર મહારાજ ઉઘાડે પગે ગામડે-ગામડે ફરી, બારૈયા અને પાટણવાડિયાઓની ઝુંપડીઓમાં સૂઈ રહેતા અને તેમની પાસેથી દારૂ અને ગુનાખોરી છોડાવતા. જેના પરિણામે રવિશંકર મહારાજ બારૈયા તથા પાટણવાડિયાઓ માટે પૂજનીય વ્યકિત બની ગયા હતા.

બોરસદ સત્યાગ્રહ પરીણામ

તારીખઃ ૮/૧/૧૯૨૪ ના રોજ સરકારી યાદી બહાર પાડવામાં આવી. તેના કારણે પ્રજાની સાચી વિગતો જાણી, અમલદારોના જુઠાણા રજુ થયા હતા. સરકારે યાદીમાં જણાવ્યું કે દંડની વસૂલાત પાછી ખેંચી લેવામાં આવશે. પોલીસનું ખર્ચ ચાલુ ખર્ચમાં સમાવી લેવામાં આવશે. સરકારની ન્યાયી વાતથી પાંચ અઠવાડિયાથી ચાલતી લડત સમાવી લેવામાં આવી. બોરસદમાં લડતનું સુકાન દરબાર સાહેબના હાથમાં હતું. તેથી દરબાર સાહેબ અને મોહનલાલ પંડયાની સહીથી પત્રિકા બહાર પડી અને પ્રજાને વિજયની જાણ કરી, તેથી બધાના હૃદયમાં સંતોષ અને આનંદ થયો. સાથે જણાવ્યુ કે “ અમલદારો વિરૂદ્ધ કોઈ પણ શબ્દ ન બોલવો જોઈએ તથા નબળાઈથી સરકારને જેમણે વેરો ભરેલો તેવા લોકો સામે દ્વેષ ન રાખવો. નિર્દોષ સામે બંદુક ધરી ખૂન કરવામાં ક્ષાત્રત્ત્વ નથી. પરંતુ ગરીબોના દુઃખો દુર કરવામાં ખપી જવું. તેમાં જ વીરતા છે. તે વીરતાને સાચું બહારવટું ગણાય જે દરબાર સાહેબમાં અને ગાંધીજીમાં છે.’’બધાએ આનંદ કર્યો.

બોરસદ સત્યાગ્રહથી પ્રજાનો ઉલ્લાસ વધ્યો. પ્રજા–શકિત્તની કિંમત સમજાઈ. રવિશંકર મહારાજે બારૈયા તથા પાટણવાડિયાઓને રાષ્ટ્રના કાર્યમાં તથા શ્રમ તરફ દોર્યા. જેના પરિણામે આ કોમના લોકોમાં પણ રાષ્ટ્ર પ્રત્યેના ગૌરવમાં વધારો થયો હતો. પરિણામેઆવનારી આઝાદી માટેની લડતોમાં ભારતમાતાનાં સપુત તરીકે કોળીઓ પણ વેરઝેર ભુલી જૈ આગળ આવ્યા.

આવી તમામ માહિતી માટે અમારી સાથે જોડાઇ જાવ અહિયા ક્લિક કરો.

1 thought on “બોરસદ સત્યાગ્રહ ૧૯૨૩ વીશે તમામ માહિતી”

Leave a Comment